NEWS

ગામની વાતો:મહેસાણાનું અમીપુરા જ્યાં કોઈ ઘરે પાણી સંગ્રહવા ટાંકા જ નથી

  • ગામની 500 લોકોની વસતીને દૈનિક 20 હજાર લિટર પાણી સપ્લાય કરાય છે
  • અગાઉ 24 કલાક પાણી અપાતું હતું, હવે માત્ર પાંચ કલાક જ પાણી અપાય છે

મહેસાણા તાલુકાનું અમીપુરા એક એવું ગામ છે જ્યાં પાણીની બચત દરેક ગ્રામજનના લોહીમાં છે. સામાન્ય રીતે એક અંદાજ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ એક દિવસમાં 100 લિટર પાણીનો ઉપયોગ કરે છે. તેની સામે અમીપુરના ગ્રામજનોનો માથાદીઠ પાણીનો વપરાશ માત્ર 40 લિટરનો છે. તેની પાછળનું કારણ એ છે કે, ગામ સ્વયંભૂ રીતે પાણીની બચતને સમજે છે. એટલે જ ગામમાં કોઈએ પાણીના બિનજરૂરી સંગ્રહ માટે અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા નથી.

ગામના સરપંચ રમણભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગામમાં 85 જેટલા ઘર છે. જેમાં 500 જેટલી વસ્તી છે. ગામના દરેક ઘરે પાણી પહોંચતું કરવા પાણીના સંગ્રહ માટે 10 હજાર લિટરના એક 4 મીટર ઊંચા ટાંકાનો ઉપયોગ કરાય છે. અગાઉ અમે 24 કલાક પાણી આપતા હતા. જોકે નિયમમાં ફેરફાર કરી હવે સવાર અને સાંજે 5 કલાક પાણી સપ્લાય કરીયે છીએ. કલાક ઘટાડવા પાછળનું કારણે એ છે કે ગ્રામજનો પાણીનો બગાડ કરતા નથી.

24 કલાક પાણી સપ્લાય વખતે જેટલું પાણી વપરાંતુ હતું એટલું જ પાણી હાલમાં પણ વપરાય છે. પાણીના કલાક ઘટાડવાથી વીજ બીલની બચત થઈ છે. પાણીની બચત કરવી એ દરેક ગ્રામજનના લોહીમાં છે. એટલે જ ગામના એક પણ ઘરમાં પાણીના બિનજરૂરી સંગ્રહ માટે અંડરગ્રાઉન્ડ ટાંકુ નથી. હાલમાં દરરોજ 20 હજાર લિટર પાણી સપ્લાય કરાય છે. એટલે કે, માથાદીઠ પાણીનો વપરાશ માત્ર 40 લિટરનો છે.

નિર્મળ ગામને એવોર્ડથી નવાજાયું હતું
જિલ્લામાં 3 ગામ એવા હતા કે, સૌપ્રથમ 100 ટકા શૌચાલયો બન્યા હતા. જેમાં પણ અમીપુરા ગામ હતું. 100 ટકા શૌચાલય ધરાવતા અમીપુરા ગામને ત્યારે રાજ્ય કક્ષાના નિર્મળ ગામના એવોર્ડથી નવાજાયું હતું.

ઓછો વપરાશ છતાં મીટર લગાવાશે
અમીપુરા ગામનો પાણી વપરાશ અન્ય ગામડાઓની સરખામણીમાં ઘણો ઓછો છે. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે પાણીના મીટર લગાવવાનું આયોજન કરાઇ રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close