NEWS

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું

Mukesh Ambani’s youngest son, Anant Ambani buys Dubai’s most-expensive home ever

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં અત્યાર સુધીનું સૌથી મોંઘુ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો આ ઘર દુબઈનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર છે. બીચ કિનારે બનેલી આ આલિશાન હવેલીના આકારના વિલાની કિંમત 80 મિલિયન ડોલર (અંદાજીત 640 કરોડ રૂપિયા) કહેવામાં આવી રહી છે. આ વિલામાં તમામ લક્ઝુરિયસ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વિલા કોઈ આલિશાન સેવન સ્ટાર હોટલથી ઉતરતો નથી.

ગુપ્ત રાખવામાં આવ્યો છે આ સોદો
પામ જૂમેરિયા પર આવેલી આ પ્રોપર્ટીને અંબાણીના સૌથી નાના પુત્ર અનંતે આ વર્ષની શરૂઆતમાં ખરીદ્યો હતો તેમ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીચ-સાઈડ હવેલી હથેળી (પામ) આકારના કૃત્રિમ દ્વીપસમૂહના ઉત્તર ભાગમાં છે અને તેમાં 10 બેડરૂમ, એક ખાનગી સ્પા અને ઈન્ડોર અને આઉટડોર પૂલ છે, સ્થાનિક મીડિયાએ ખરીદનાર કોણ છે તે કહ્યા વિના અહેવાલ આપ્યો છે. આ પ્રોપર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે હજી અંબાણી આ વિલામાં થોડા ફેરફાર કરવા અને તેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લાખો ડોલર ખર્ચ કરશે.

શાહરૂખ ખાન અને ડેવિડ બેકહામ હશે પાડોશી
દુબઈ અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ બજાર તરીકે ઉભરી રહ્યું છે, જેમને સરકારે લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ ઓફર કરીને અને વિદેશીઓ માટે ઘરની માલિકી પર હળવા નિયંત્રણો આપીને સક્રિયપણે સ્વીકાર્યું છે. બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ તેની પત્ની વિક્ટોરિયા અને બોલિવૂડ મેગા સ્ટાર શાહરૂખ ખાન સહિત કેટલીક દિગ્ગજ હસ્તીઓ અંબાણીના નવા પડોશીઓ હશે.

અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે અનંત
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અનંત પોતાના પિતા મુકેશ અંબાણીની 93.3 બિલિયન ડોલરની સંપત્તિના ત્રણ વારસદારોમાંના એક છે. વિશ્વના 11મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ ડાઈવર્સિફિકેશન પુશ બાદ ધીમે ધીમે તેના બાળકોને લગામ સોંપી રહ્યા છે જેમણે તેમના સામ્રાજ્યને ગ્રીન એનર્જી, ટેક અને ઈ-કોમર્સમાં વિસ્તાર્યું છે.

વિદેશમાં સંપત્તિ ખરીદી રહ્યો છે અંબાણી પરિવાર
મુકેશ અંબાણી વિવિધ ક્ષેત્રમાં પોતાના બિઝનેસનો વિસ્તાર તો કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓ વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. અંબાણીના ત્રણેય સંતાનો બીજા ઘર માટે વિદેશમાં પ્રોપર્ટી જોઈ રહ્યા છે. નોંધનીય છે કે રિલાયન્સે ગત વર્ષે યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે 79 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા જેમાં જ્યોર્જિયા યુગની હવેલી પણ છે. અંબાણીની પુત્રી ઈશા ન્યૂયોર્કમાં એક ઘર શોધી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close