31 લાખ એડવાન્સ લઈ ફ્લેટનું પઝેશન ના આપનારા બિલ્ડરને 21% વ્યાજ સાથે રિફંડ આપવા આદેશ
31 lakh advance ordered to give refund with 21% interest to builder who did not give possession of flat
બિલ્ડરે સિનિયર સિટીઝન દંપતી પાસેથી 2013માં 31 લાખ રુપિયા એડવાન્સ લઈને દોઢ વર્ષમાં ફ્લેટનું પઝેશન આપી દેવાની વાત કરી હતી, પરંતુ ગ્રાહકે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ બિલ્ડરે ના તો પૈસા લીધાનો કરાર કર્યો કે ના કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, મામલો ગ્રાહક સુરક્ષા પંચમાં પહોંચ્યો તો બિલ્ડરે પોતે સમાધાન કરવા તૈયાર હોવાની વાત કરી.
જવલ્લે જ જોવા મળે તેવી એક ઘટનામાં ગ્રાહક સુરક્ષા પંચે ફ્લેટનું પઝેશન ના આપનારા બિલ્ડરને ગ્રાહકને 31 લાખની રકમ પર 58 લાખ રુપિયા ચૂકવવા આદેશ કર્યો છે. ફરિયાદીએ 2013માં મુલુંડ વિસ્તારમાં ફ્લેટ બુક કરાવી બિલ્ડરને 31 લાખ રુપિયા ચૂકવ્યા હતા. જોકે, આજ દિન સુધી બિલ્ડરે તેના માટે ના તો કોઈ એગ્રિમેન્ટ કર્યું હતું કે ના તો કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ શરુ કર્યું હતું. જેની ગંભીર નોંધ લેતા ગ્રાહક સુરક્ષા પંચે ફરિયાદીએ ચૂકવેલા 31 લાખ રુપિયા 21 ટકા વ્યાજ સાથે પરત કરવા હુકમ કર્યો હતો.
ગ્રાહકે ચૂકવેલી રકમ 21 ટકા વ્યાજ સાથે પરત કરવાની સાથે બિલ્ડરે કાયદાકીય ખર્ચ અને માનસિક હેરાનગતિ માટે અલગથી દોઢ લાખ રુપિયા આપવાના રહેશે. ફરિયાદીએ પંચ સમક્ષ દાવો કર્યો હતો કે તેણે બિલ્ડરની ઓફિસની અવારનવાર મુલાકાત લઈ કન્સ્ટ્રક્શન ક્યારે શરુ થશે તે વિશે માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, બિલ્ડરે તેને ગોળ-ગોળ જવાબ આપ્યા હતા અને બાદમાં એડવાન્સમાં ભરેલા 31 લાખ રુપિયા પાછા આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આખરે કંટાળેલા ગ્રાહકે આ મામલે રાજ્ય કક્ષાના ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ કરી હતી.
2018માં આ કેસના ફરિયાદી સિનિયર સિટીઝન ગણેશ અને તેમના પત્ની આશા ગળવીએ સિદ્ધાર્થ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ કેસ કર્યો હતો. ગણેશ ગળવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારી છે. તેમણે પંચ સમક્ષ જણાવ્યું હતું કે સ્થાનિક છાપામાં મુલુંડ વેસ્ટમાં સલફાદેવી પાડા પાસે બનનારા એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટની એડ આવી હતી. 1,008 ચોરસ ફીટના ફ્લેટની કિંમત 92 લાખ રુપિયા હતી. એપ્રિલ 2013માં ફ્લેટ બુક કરાવી તેમણે બે મહિનામાં 31 લાખ રુપિયા ચૂકવી દીધા હતા. તે વખતે બિલ્ડરે દોઢ વર્ષમાં પઝેશન આપી દેવાની વાત કરી હતી.
રુપિયા ચૂકવ્યા બાદ ગણેશ ગળવીએ અવારનવાર બિલ્ડરને મળીને એગ્રિમેન્ટ કરી દેવા માટે વાત કરી હતી. જોકે, બિલ્ડર તેમને ગોળ-ગોળ ફેરવતો રહ્યો હતો. બિલ્ડર એગ્રિમેન્ટ કરવામાં આનાકાની કરતો હોવાથી શંકા જતા આખરે ફરિયાદી કન્સ્ટ્રક્શન સાઈટ પર પહોંચ્યા હતા. જોકે, ત્યાં ખાલી જમીન જોઈને તેમને આંચકો લાગ્યો હતો. નવાઈની વાત એ છે કે, વર્ષો સુધી બિલ્ડરે કામ જ શરુ નહોતું કર્યું અને તેમણે ચૂકવેલા નાણાંનો કરાર પણ નહોતો થયો.
ગ્રાહક પંચ સમક્ષ બિલ્ડરે પોતે સમાધાન કરવા માટે તૈયાર છે તેવી વાત કરતા દાવો કર્યો હતો કે તેણે સાડા ત્રણ લાખ ચૂકવી પણ દીધા છે. જોકે, ફરિયાદીએ પોતાને અઢી લાખ જ મળ્યા હોવાનું જણાવ્યું હતું. ગ્રાહક પંચે નોંધ્યું હતું કે બિલ્ડરે આંશિક પેમેન્ટનો સ્વીકાર કર્યા બાદ પણ કન્સ્ટ્રક્શન ચાલુ ના કરીને યોગ્ય નથી કર્યું. રુપિયા લીધા બાદ પણ યોગ્ય સેવા પૂરી ના પાડી શકવા બદલ બિલ્ડરે ફરિયાદીને વ્યાજ સાથે તેણે લીધેલા એડવાન્સ રુપિયા પરત ચૂકવવાના રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
9 Comments