પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા ‘હક કમી’ના લેખ પર ૪.૯૦ % સ્ટેમ્પ ડ્યૂટીના બદલે હવે ફક્ત ૨૦૦ના સ્ટેમ્પ પર.

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ, સચોટ અને પારદર્શક કરવા નોંધણી અને સ્ટેમ્પ પ્રભાગ સતત કાર્યરત છે. મિલકત ધારણ કરનાર અને વેચાણ રાખનાર બન્નેના હિતોના રક્ષણ માટે ઈ-કે.વાય.સી. નિયમો અમલી બનાવાયા છે. જે મુજબ, ગરવી વેબ એપ્લીકેશન મારફતે વેચાણ આપનારની ઓળખ કન્સેન્ટ બેઇઝ આધાર ખરાઇથી કરવામાં આવે છે. જેનાથી ફ્રોડ થવાની શકયતાઓ શૂન્ય થશે અને સિવિલ લિટિગેશન થવાની શકયતા પણ ઘટી છે.
રાજયમાં નોંધણી પર ઓછામાં ઓછી સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવતી હોવા છતાં છેલ્લા દાયકામાં સ્ટેમ્પ ડયૂટીની આવકમાં ગુજરાતમાં ચાર ગણો વધારો થયો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. જે મુજબ ર૦ર૪માં નોંધણી ફીની આવક ર૦૬૬.૮૩ કરોડ થઈ છે અને સ્ટેમ્પ ડયૂટીની આવક ૧૧૭૬૫.ર૩ કરોડ થઈ છે.
વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા ‘હક કમી’ના લેખ પર વર્તમાન ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે ફક્ત રૂ. ૨૦૦ના સ્ટેમ્પ પર હક કમી કરાવી શકાશે. જ્યારે એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર ૦.૨૫ લેખે ભરવાની થતી મહત્તમ ૨૫,૦૦૦ ડ્યુટી ઘટાડીને ૫૦૦૦ કરવામાં આવી છે, જેનાથી મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં ફાયદો થશે. વધુમાં ઘરે બેઠા ઈ-રજિસ્ટ્રેશનની સુવિધા પણ ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે જેથી કચેરીઓ સુધી જવાની જરૂરિયાત નહીં રહે તેમ તેમણે ઉમેર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-માહિતી વિભાગ ગાંધીનગર, ગુજરાત સરકાર