ConstructionInfrastructureNEWSUrban Development

ગુજરાતના ઉદ્યોગોને કાશ્મીરમાં મળ્યો અઢળક બિઝનેસઃ રૂ. 550 કરોડનું રોકાણ કરશે

Gujarat's industries got a lot of business in Kashmir: will invest Rs 550 crore

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ અહીં જુદા જુદા બિઝનેસની તકમાં ભારે વધારો થયો છે. ગુજરાત સ્થિત ઉદ્યોગસાહસિકોએ અહીં બિઝનેસની જમાવટ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરે ગુજરાતના ઉદ્યોગસાહસિકો માટે પુષ્કળ તક આપી છે જેના કારણે ગુજરાતની ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને ફર્નિચર બનાવતી કંપનીઓ કાશ્મીરમાં પોતાનું રોકાણ વધારી રહી છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે આગામી મહિનાઓમાં ગુજરાતના ઉદ્યોગો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં 550 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, કચ્છ કેમિકલ્સ અને અનુપમ રસાયણ લિમિટેડ જેવી કંપનીઓ આ રાજ્યમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહી છે.

ફેબ્રુઆરી 2021માં જમ્મુ અને કાશ્મીરના ઈન્ડસ્ટ્રીયલ વિકાસ માટે ન્યુ સેન્ટ્રલ સેક્ટર સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં આવે તો પ્લાન્ટ અને મશીનરીમાં 30 ટકા સુધી કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. આ ઉપરાંત રૂ. 500 કરોડ સુધીની લોન પર કેપિટલ ઈન્ટરેસ્ટ સબવેન્શનનો લાભ મળે છે અને પ્લાન્ટ તથા મશીનરી પર 300 ટકા સુધી GST-લિંક્ડ ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. ગુજરાત સ્થિત કેટલાક ઉદ્યોગો વિસ્તરણની તકનો ફાયદો લઈ રહ્યા છે.

અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ 2004થી જમ્મુમાં પ્લાન્ટ ધરાવે છે અને કંપની હવે વિસ્તરણ કરવા પર ફોકસ કરી રહી છે. કેડિલા ફાર્માના ચીફ મેન્ટરિંગ ઓફિસર બિશ્વજીત મિત્રાએ જણાવ્યું કે, “ગયા મહિને અમે જમ્મુમાં સાંબા નજીક વધુ એક ફોર્મ્યુલેશન પ્લાન્ટ સ્થાપવા માટે 28 એકર જમીન ખરીદી છે. આગામી ત્રણ વર્ષમાં અહીં પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવશે.”

સુરત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ પણ જમ્મુ અને કાશ્મીરમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરવા પ્લાન્ટ સ્થાપશે. કંપનીના એમડી આનંદ દેસાઈએ જણાવ્યું કે, “કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે પ્રયાસ કરી રહી છે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યા છે. અમે એક વર્ષમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે પ્લાન્ટ સ્થાપવા જમીન શોધી રહ્યા છીએ. તેમાં ઓછામાં ઓછા 30 કરોડનું રોકાણ થશે અને 100 લોકોને રોજગારી આપવામાં આવશે.”

કચ્છ કેમિકલ્સે પણ કાશ્મીરમાં ફોર્મ્યુલેશન પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. કચ્છ કેમિકલ્સના માર્કેટિંગ હેડ જય પટેલે કહ્યું કે, “અમે જમ્મુ અને કાશ્મીરમાં જમીનની શોધમાં છીએ જ્યાં ત્રણ વર્ષમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે.”

અમદાવાદ સ્થિત ફર્નિચર ઉત્પાદક કંપની HOF ફર્નિચર જમ્મુ અને કાશ્મીરની એક કંપની સાથે જોડાણ કરવા વાતચીત કરી રહી છે. કંપનીના ડિરેક્ટર ધ્રુવીન પટેલે જણાવ્યું કે, “અમે કાશ્મીરી વાલનટ વૂડ ટેબલનું ઉત્પાદન કરવા માટે પ્રોડક્ટ ડિઝાઈન કરવાના છીએ. આ માટે પબ્લિક સેક્ટરની કંપની જમ્મુ એન્ડ કાશ્મીર ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા કાર્વ્ડ વૂડ પૂરું પાડવામાં આવશે. અમે અમારી બ્રાન્ડનેમ સાથે આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરીશું. ત્યાર પછી અમે જમ્મુ અને કાશ્મીરમાં અમારી ફેક્ટરી નાખવાની યોજના ધરાવીએ છીએ.”

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close