GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતે, ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે દરમિયાન, તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં અપગ્રેડેડ રસ્તાઓ, અંડરપાસ, ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના 21 કિ.મીના માર્ગ કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદી વિરમગામ ખુડદ રામપુરા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાના કામનું લોકાર્પણ કરશે. 33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઇ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગને 7 મીટર પહોળો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કૉરિડોર અમદાવાદ જિલ્લાના વિરમગામ તથા દેત્રોજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ આપશે.

વડાપ્રધાન મોદી 274 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ 274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ (₹126 કરોડ), અમદાવાદ-વિરમગામ રોડ પર આવેલ ફાટક નં. 40 ઉપર રેલવે ઓવરબ્રિજ (₹70 કરોડ), કડી-થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર લંબાઇના માર્ગના નવિનીકરણની કામગીરી (₹45 કરોડ), અને ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનનું ચાર-લેનમાંથી આઠ-લેન રોડમાં વિસ્તરણ (₹33 કરોડ)નો સમાવેશ થાય છે.

મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લામાંથી પસાર થતાં વિવિધ રસ્તાઓ પર વ્હિકલ અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ તથા નવિનીકરણની કામગીરીથી દૈનિક અવર-જવર કરતાં વાહન ચાલકોની સલામતી તેમજ સુગમતામાં વધારો થશે. આ સુવિધાથી મુસાફરીનો સમય અને ઇંધણની બચત થશે. ગાંધીનગર ખાતે આકાર લઈ રહેલ ફિન-ટેક હબ ગિફ્ટ સિટી સુધી સરળ અને ઝડપી કનેક્ટિવિટી મળી રહેશે. થોળ અભ્યારણ્ય જેવા પ્રવાસી સ્થળોએ આવતા મુલાકાતીઓને સુગમતા રહેશે. અપગ્રેડ થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે રાજ્યમાં ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર

Show More

Related Articles

Back to top button
Close