સ્ટીલની નિકાસ વધશે:વૈશ્વિક ઊંચા ભાવથી ભારતથી સ્ટીલની નિકાસ દોઢગણી વધવાની સંભાવના
ભારતની સ્ટીલ મિલો આ વર્ષે એક્સપોર્ટમાં સરેરાશ દોઢગણી વૃદ્ધિ થવાની આશા દર્શાવી રહ્યાં છે. વિશ્વભરમાં સ્ટીલની કિંમતોમાં થયેલા વધારા અને અન્ય મુખ્ય ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવાનો ફાયદો ભારતીય સ્ટીલ મીલોને મળી શકે છે.
ભારત વિશ્વના બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકમાંનું એક છે. નાણાકિય વર્ષ 2022માં દેશમાંથી અંદાજે 1.5 કરોડ ટન સ્ટીલની નિકાસ થવાની સંભાવના છે. જ્યારે ગતનાણા વર્ષ 2021માં દેશમાંથી 1.8 કરોડ ટન સ્ટીલની નિકાસ થઇ હતી.
જિંદાલ સ્ટીલના એમડી વીઆર વર્માએ જણાવ્યા મુજબ સ્ટીલની વધતી કિંમતો અને ચીન તથા રશિયા જેવા ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવાના કારણે ભારતીય સ્ટીલની નિકાસ વધશે. ભારતીય મીલોએ પોતાના ઉત્પાદન અનુસાર નિકાસમાં બમણી કરી દીધી છે. એકવર્ષ પહેલા સ્ટીલ મિલો પોતાના ઉત્પાદનના સરેરાશ 20 ટકા જ નિકાસ કરતી હતી પરંતુ હવે તેઓ ઉત્પાદનના 40 ટકા સુધી નિકાસ કરી રહી છે.
જેની પાછળનું મુખ્ય કારણ સ્થાનિક કિંમતોની તુલનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓ સ્ટીલની સારી કિંમતો મળી રહી છે. સ્થાનિક બાંધકામ સેક્ટરમાં ઓક્ટોબરથી ડિમાન્ડ વધવાની આશા છે. ઇએસએલ સ્ટીલના સીઇઓ એનએલ વ્હાટેના જણાવ્યા મુજબ ઉર્જા વપરાશ અને પ્રદુષણ ઘટાડવાની ફિરાકમાં ચીનને પોતાના સ્ટીલ ઉત્પાદન ઓછું કરી દીધું છે અને આ વર્ષનું ઉત્પાદન 2020થી પણ ઓછું રહેવાની સંભાવના છે.
મેટલ્સ માર્કેટમાં નિકલ 7 વર્ષની ટોચે પહોંચ્યું
વૈશ્વિક મેટલ્સ માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ ખાતે એલ્યુમિનિયમ વાયદો 13 વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યો છે. જ્યારે નિકલ વાયદો 7 વર્ષની ટોચે પહોંચ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ ખાતે એલ્યુમિનિયમ વાયદો વધી 2837.50 ડોલરની સપાટી કુદાવી છે જે ઓગસ્ટ 2008 બાદની ટોચે છે. વિશ્વના સૌથી મોટા એલ્યુમિનિયમ ઉત્પાદક દેશ ચીનમાં ઉત્પાદન પર નિયંત્રણો મુકવામાં આવ્યા હોવાથી ભાવ ઉંચી સપાટી પર પહોંચ્યા છે. નિકલ વાયદો પણ વધી 20150 ડોલર પ્રતિ ટન પહોંચ્યો છે. જેમાં ઇન્ડોનેશિયામાં લોકડાઉનના કારણે ઉત્પાદન પર અસર પહોંચી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
10 Comments