વાસદ-બગોદરા 6 લેન રોડ 10 વર્ષ બાદ પણ અધૂરો, 103 કિલોમીટર હાઇવેનો 800 કરોડનો પ્રોજેક્ટ 1700 કરોડનો થયો!

મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતાં વાસદ -બગોદરા સિક્સલેનની કામગીરી છેલ્લા દસ વર્ષથી મંદગતિએ ચાલી રહી છે. રૂા. 850 કરોડના ખર્ચે બનનારા આ 103 કિલોમીટર રસ્તા પર 3 ફ્લાય ઓવર અને 27 અંડર પાસ બનાવવામાં આવનાર છે. રસ્તા માટેની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આઠ વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટરમાં માત્ર 25 ટકા જ કામગીરી પૂર્ણ થઇ હતી. જોકે બાદમાં આઠ વર્ષ બાદ આ ટેન્ડર રદ કરીને પુન: નવુ ટેન્ડર બહાર પાડવમાં આવ્યુ હતું. જેમાં 1654 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી.હાલમા આ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરી પણ મંદગતિએ ચાલી રહી છે.

હજુ કેટલાક સ્થળે ઓવર બ્રિજ સહિતની કામગીરી ચાલુ છે. જોકે કેટલાક ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયા પણ ઘોંચમાં પડી છે. રસ્તા પર ચાલતી આ કામગીરીના કારણે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત આસપાસ આવેલા ધાબા-હોટલો અને ચાની કિટલીઓના ધંધા પર પણ મોટી અસર પડી રહી છે.
18 માસમાં પૂર્ણ કરવાની વાત પણ 24 મહિના થયા
2019માં નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે પુન: ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી. અને નવા કોન્ટ્રાક્ટ અપાયા બાદ આ કામગીરી 18 માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે આ વાતને 24 મહિના પૂર્ણ થઇ ગયા છે, પણ રસ્તાની આ કામગીરી આજે પણ 30થી 35 ટકા બાકી છે. ત્યારે આ સીકસલેનની સુવિધા કયારે મળશે ? તે યક્ષ પ્રશ્ન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
10 Comments