બજેટ સત્ર LIVE:રાષ્ટ્રપતિએ લાલકિલ્લા પર થયેલી હિંસાની નીંદા કરી, સંસદની બહાર અકાલી દળે કર્યા દેખાવો
સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્ર શરૂ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું આ દસકાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ભારતના ઉજવળ ભવિષ્ય માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે શરૂઆતથી જ આઝાદી અપાવનારાઓએ જે સપના જોયા હતા, તે સપનાને પુરા કરવા માટે રાષ્ટ્ર માટે એક સોનેરી પ્રસંગ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના મહત્ત્વના મુદ્દા
કોરોના કાળમાં 80 કરોડ ગરીબોનો 8 મહિના વધુ અનાજ મળ્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ વિના મુલ્યે આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. સરકારે પ્રવાસી શ્રમિકો, કામદારો અને પોતાના ઘરેથી દૂર રહેનારાઓની પણ ચિંતા કરી.
પ્રવાસી મજૂરોને તેમના જ ક્ષેત્રમાં કામ આપવાના પ્રયાસ કરાયા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે મહામારીના કારણે શહેરોમાંથી પરત આવી ગયેલા પ્રવાસી મજૂરોને તેમના જ ગામમાં કામ આપવા માટે મારી સરકારે છ રાજ્યમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ ચલાવ્યું. આ અભિયાનના કારણે 50 કરોડ મેન ડેસ જેટલી રોજગારીનું સર્જન થયું.
બીજી તરફ કોંગ્રેસ સહિત 19 વિપક્ષોએ કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકના સંબોધનની સાથે સત્રની શરૂઆત થશે.
એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું આમ બજેટ રજૂ કરવામાં આવશે. બે હિસ્સામાં ચાલનાર બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
આ પાર્ટીઓએ કર્યો બાયકોટ
રાષ્ટ્રપતિના સંબોધનનો વિરોધ કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, NCP, JKNC, DMK, TMC, RJD, CPI-M, CPI, IUML, RSP, PDP, MDMK, કેરળ કોંગ્રેસ(M) અને AIUF સામેલ છે. આ પાર્ટીઓએ નિવેદન બહાર પાડીને તેની માહિતી આપી છે. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બાયકોટની જાહેરાત કરી.
ખેડૂતોનો મુદ્દો ગરમાય તેવી શકયતા
બજેટ સેશનમાં ત્રણે કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાનો મુદ્દો ઉઠવાની શકયતા છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષની સાથે ચર્ચા કર્યા વગર ત્રણે કૃષિ કાયદાઓને સંસદમાં જબરજસ્તીથી પાસ કરાવી લીધા.
વિવિધ વિપક્ષોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓમાં કેન્દ્ર સરકારની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. લાંબા સમય સુધી આ દેખાવો શાંતિથી ચાલતા રહ્યાં. જોકે ગણતંત્ર દિવસે અચાનક જ તે હિંસક બની ગયા. ઘણા પોલીસ કર્મચારીઓ પણ તેમાં ઘાયલ થયા.
ખેડૂતોની વિરુદ્ધ કેમ્પેન ચલાવવાનો આરોપ
વિપક્ષના જણાવ્યા મુજબ સરકાર ખેડૂતો પર જબરજસ્તીથી કૃષિ કાયદાઓને થોપી રહી છે. તેના કારણે કરોડો ખેડૂતો બરબાદ થઈ જશે. ઠંડી અને વરસાદની વચ્ચે ખેડૂતો છેલ્લા 64 દિવસથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. ખેડૂતો પર પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનો ઉપયોગ કર્યો. આ સિવાય ખેડૂતોની વિરુદ્ધ સરકારે ખોટી માહિતી ફેલાવવા માટે કેમ્પેન શરૂ કર્યું.
1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
આ વખતે પ્રથમ વખત બજેટ સેશન પર રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન સાંસદ સેન્ટ્રલ હોલ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસશે. આવું સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
12 Comments