
નવા સંસદભવનના નિર્માણની રીત અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલામાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે. કેન્દ્રએ કોર્ટને ભરોસો આપ્યો છે કે આમ જ કરવામાં આવશે. કોર્ટે શિલાન્યાસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શનિવારે જ એ માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે 1 વાગ્યે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.
સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન
- સરકારે રાષ્ટ્રપતિભવનથી ઈન્ડિયા ગેટની વચ્ચે નવી ઈમારતો બનાવવા માટે સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
- આ વિસ્તારમાં સેન્ટ્રલ સેક્રેટરિયેટ માટે 10 બિલ્ડિંગ બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિભવન, હાલના સંસદભવન, ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય અભિલેખાગારની ઈમારતને એવી જ રાખવામાં આવશે.
- સેન્ટ્રલ વિસ્ટાના માસ્ટર પ્લાનના જણાવ્યા મુજબ, જૂના સંસદભવનની સામે ગાંધીજીની પ્રતિમાની પાછળ નવું ત્રિકોણ સંસદભવન બનશે.
- એમાં લોકસભા અને રાજ્યસભા માટે એક-એક ઈમારત હશે, જોકે સેન્ટ્રલ હોલ બનશે નહિ. આ ઈમારત 13 એકર જમીન પર તૈયાર થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય ભાસ્કર
15 Comments