InfrastructureNEWS

રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ ઉમિયા ચોક પર બ્રિજ રદ, પુનિતનગર ચોક પર ઓવરબ્રિજ બનશે

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં જુદા જુદા ચાર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા શરૂ કરી ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક ખાતે પણ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઉમિયા ચોક પહેલા મવડી ચોક ખાતે બનેલા ઓવરબ્રિજનો ઢાળ ઉમિયા ચોકથી થોડે પહેલા જ પૂર્ણ થાય છે તેમજ ત્યાં હાલ ટ્રાફિકની કોઇ મોટી સમસ્યા નથી. પરિણામે ઉમિયા ચોક બ્રિજ રદ કરવામાં આવ્યો છે અને તેના બદલે 150 ફૂટ રિંગ રોડ પુનિતનગર ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. પુનિતનગર ખાતે બ્રિજ બનાવવા માટે કન્સલ્ટન્સી એજન્સીને કામ સોંપી દેવાયું છે. એજન્સી આ ચોક પર ટ્રાફિક સરવે અને બ્રિજ માટે ફિઝિબિલિટી રિપોર્ટ મનપાને સોંપ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ પર લેવાશે.

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે બ્રિજ બનાવવા માટે 230 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે. જેના પગલે નાનામવા ચોક, રામદેવપીર ચોકડી 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે ઓવરબ્રિજ ઉપર ઓવરબ્રિજ તેમજ જડ્ડુસ પાસે બ્રિજ બનાવવા ટેન્ડર બહાર પાડ્યા છે. આ ચારેય બ્રિજની જાહેરાત થઇ ત્યારે જ 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક ખાતે પણ બ્રિજ બનાવવાની જાહેરાત થઇ હતી, પરંતુ ટ્રાફિક સરવે કર્યા બાદ આ ચોક પર 150 ફૂટ રિંગ રોડ પર જ ટ્રાફિક છે,

જ્યારે અન્ય બે માર્ગ જલજીત મેઇન રોડ અને ગોકુલનગર તરફ જતા માર્ગ પર વાહનોની સંખ્યા ઓછી હોવાથી આ બ્રિજ હાલ રદ કરવામાં આવ્યો છે. આ બ્રિજના બદલે પુનિતનગર ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ડેલ્ટા કન્સલ્ટન્સી એજન્સીને ટ્રાફિક સરવેની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.પુનિતનગર ચોક ખાતે 150 ફૂટ રિંગ રોડ તેમજ વાવડી અને મવડી 80 ફૂટ રોડ તરફ તેમજ ગોંડલ રોડ તરફ જતા રસ્તા પર વાહનોની અવરજવર વધુ છે તેથી ત્યાં બ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટથી શાપર-વેરાવળ અપડાઉન કરતા લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
રાજકોટ શહેરમાંથી શાપર-વેરાવળ તથા આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિસ્તાર બન્યો છે. તેથી રાજકોટથી ત્યાં અપડાઉન કરનાર લોકોની સંખ્યા વધી છે. 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજ બન્યા બાદ હવે પુનિતનગર ચોક ખાતે સવારે અને સાંજના સમયમાં ટ્રાફિક સમસ્યા ઊભી થઇ રહી છે.

આ ઉપરાંત પુનિતનગર ચોકથી વાવડી અને મવડી વિસ્તારમાં પણ મોટું ડેવલપમેન્ટ થતા ત્યાં વસવાટ વધ્યો છે. પરિણામે પુનિતનગર ચોક ખાતે બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાંથી ત્યાથી પસાર થતા અંદાજે 50 હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close