
કેબ સેગમેન્ટમાં નામ કમાઈ ચૂકેલી દેશી ટેક્સી રાઇડિંગ કંપની ઓલા કેબ્સ ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગમાં પોતાનું નસીબ અજમાવવાનું પ્લાનિંગ કરી રહી છે. ભાવેશ અગ્રવાલ અને અંકિત ભાટી દ્વારા સ્થપાયેલી કંપની હવે પ્લાન્ટ સ્થાપવા માટે અનેક રાજ્યો સાથે વાતચીત કરી રહી છે. કંપની પ્લાન્ટ માટે 100 એકર જમીન શોધી રહી છે. ઓલા વિશ્વનો સૌથી મોટો ઇ-સ્કૂટર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે.
હોન્ડા પાસે અત્યારે સૌથી મોટો સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે
અત્યારે જાપાનની અગ્રણી ઓટો કંપની હોન્ડા વિશ્વનો સૌથી મોટો સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છે. ગુજરાતમાં સ્થિત આ પ્લાન્ટ દર વર્ષે ફોસિલ ફ્યુલથી ચાલતા 1.2 મિલિયન વ્હીકલ બનાવે છે. ઓલાના આ પગલાંથી બજાજ ઓટો, TVS અને હીરો મોટોકોર્પ દ્વારા રોકાણ કરાયેલ કંપની અથર એનર્જી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હ્યુન્ડાઇએ ઓલામાં પણ રોકાણ કર્યું છે.
ચાર રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે
એક રિપોર્ટ મુજબ, ઈ-સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે જમીન લેવા માટે ઓલાની ચાર રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે. ત્રણ રાજ્યો દક્ષિણ ભારતના છે, જ્યારે 1 રાજ્ય પશ્ચિમ ભારતનું છે. કંપની 2 મિલિયન ઇલેક્ટ્રિક સ્કૂટર્સની ક્ષમતાવાળા પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. ભારતમાં ઇ-સ્કૂટર મેન્યુફેક્ચરિંગની રજૂઆતનો ઇશારો એ વાતથી પણ મળે છે કે ઓલાએ થોડા સમય પહેલાં જ નેધરલેન્ડની એપ સ્કૂટર ઇલેક્ટ્રિક બ્રાંડ એટર્ગો ખરીદી છે.
ઇ-વ્હીકલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇન્સેન્ટિવ આપી રહી છે
દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને ઘણી રાજ્ય સરકારો કંપનીઓને ઇન્સેન્ટિવ આપી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હીકલ લોન પર ઇન્કમ ટેક્સમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ પણ આપવામાં આવી રહી છે. દેશના આયાત બિલને ઘટાડવા અને પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર આ પગલું ભરી રહી છે.
એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ફક્ત 7,552 ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ
તેલ પર નિર્ભરતા ઘટાડવા અને અને પ્રદૂષણ ઓછું કરવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ સ્ટેશન જેવાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવામાં આવી રહ્યું નથી. વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતમાં આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ફક્ત 7,552 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વેચાયાં છે, જ્યારે આ સમયગાળામાં 13 લાખ ટ્રેડિશનલ સ્કૂટર્સ વેચાયાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
19 Comments