સુરતમાં આકાર પામેલી હાઈટેક ડાયમંડ બુર્જ બિલ્ડિંગનું નિર્માંણકાર્ય પૂર્ણતાના આરે, આગામી 6 થી 9 મહિનામાં ઓફિસોને અપાશે એલોટમેન્ટ.
Surat Diamond Burj Construction work will be finished in coming 6-9 months

ગુજરાત સહિત દેશની શાન સમા ડાયમંડ બુર્જ બિલ્ડિંગનું નિર્માંણકાર્ય પૂર્ણતા આરે છે અને આગામી 6 થી 9 મહિનામાં ઓફિસોનું એલોટમેન્ટ આપવામાં આવશે તેવું ડાયમંડ બુર્જ બિલ્ડિંગ પ્રોજેક્ટને નિર્માંણકર્તા, દેશ અને ગુજરાતની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
સ્માર્ટ સીટી સુરતમાં આકાર લઈ રહેલા ડાયમંડ બુર્સને કોરોનાની અસરને કારણે, 2020ની જગ્યાએ, હવે 2021માં મે કે જુલાઈ મહિના સુધીમાં પૂર્ણ કરીને, ઓફિસધારકોને ઓફિસ એલોટ કરી દેવાનું પ્લાનિંગ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. 4500 જેટલી ઓફિસ ધરાવતા 9 ટાવરનું 70 ટકા જેટલું બાહ્ય કામ પૂર્ણ થઈ જવાની સાથે બિલ્ડીંગનું આંતરિક ડેવલપમેન્ટ પણ મોટાભાગે થઈ ચૂક્યું છે.
66 લાખ સ્કે. ફૂટમાં ખજોદમાં આકાર લઈ ચૂકેલા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં ઓછું મેઈન્ટેનેન્સ કઈ રીતે આવે તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફાયર જેવી આકસ્મિક ઘટનાઓ માટે એડવાન્સ સિસ્ટમ અંગે માહિતી મેળવી છે. આ અંગે બુર્જ સાથે સંકળાયેલા આગેવાન મથુર સવાણી જણાવે છેકે, આવનારા થોડા દિવસોમાં સંભવત: નવરાત્રિ પછી ઓફિસધારકો અને હીરા ઉદ્યોગકારો બુર્જની આંતરિક વિઝીટ પણ લઈ શકે તે માટેનું આયોજન ચાલી રહ્યું છે.
વિદેશથી મજબૂત ફાયર સિસ્ટમ
પ્રત્યેક ઓફિસની બહાર ફાયર ઈન્ડીકેટર સાથે સ્પેશિયલ ફાયર એક્ઝિટ તૈયાર કરાયું છે. બિલ્ડીંગના ફાયર એક્ઝિટ પર મુકવામાં આવેલા ડોર 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે. જે-તે જગ્યાએ લાગેલી આગનો ધુમાડો ઝડપથી ખેંચી લઈને ટેરેસ પર મુકેલી ચીમની મારફતે બહાર ફેંકી દેશે.
340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ
ડાયમંડ બુર્સમાં અત્યાર સુધીની સૌથી લાંબી 340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ કે જે બુર્સની અંદરનું તાપમાન 5 ડિગ્રી સુધી ઓછું કરશે.
બીબીટી પાવર સિસ્ટમ
બઝબાર ટ્રન્કીંગ સિસ્ટમથી ઈલેક્ટ્રિસિટી લાઈન પ્રત્યેક ટાવર પર પસાર કરાઇ છે. આ એકમાત્ર ગિફ્ટ સિટીના ગિફ્ટ ટાવર-1ની જીઈઆરસીના બિલ્ડીંગમાં લગાડવામાં આવી છે. જેના કારણે એક ફ્લોર પર થયેલા વીજ વિક્ષેપનની અસર અન્ય ફ્લોરને નહીં થાય ઉપરાંત, નાનામાં નાનો ઈલેક્ટ્રીક્ટ ફોલ્ટ પણ શોધી શકાય.
લીફ્ટમાં ડેસ્ટિનેશન કંટ્રોલરની સુવિધા
બુર્સની 128 લિફ્ટ સ્પીડમાં કામ કરે તે માટે ડેસ્ટિનેશન કંટ્રોલર મુકાયા છે. જ્યાં પ્રતિ વ્યકિત પોતાના ફ્લોર નંબર દબાવતાં 8 પૈકી કઈ લિફ્ટમાં તેમણે મુસાફરી કરવાની છે, તે ડેસ્ટિનેશન કંટ્રોલર નક્કી કરશે.
બુર્જ બિલ્ડિંગની વિશેષતાઓ
- ઈન્ટરનેશનલ નોર્મ્સ: તૈયાર થયેલા પ્રોજેક્ટમાં ઈન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે 2 બિલ્ડીંગ વચ્ચે 200 ફૂટનું જ્યારે કુલ સ્પેશ 6000 મીટરની રહે છે.
- સનપાથ એનાલિસિસ: વર્ષ દરમિયાન બિલ્ડીંગનું કોમ્પ્યુટરાઈઝ્ડ મોડેલ બનાવીને સૂર્યનો તડકો કઈ તરફથી અને કેટલો આવે છે, તેમજ સિઝન પ્રમાણે તડકાની અસર તપાસાયું, ગ્રાઉન્ડ પર ઉભા રહેનારને તડકો નહીં લાગે.
- વિન્ડરોઝ એનાલિસિસ: બિલ્ડીંગના ઓપન વિસ્તારમાં આવનારને પુરતા પ્રમાણમાં હવા લાગે તથા પ્રોજેક્ટના મુખ્ય સ્પાઈનમાં પણ પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ પહોંચે તે માટે વિન્ડરોઝ એનાલિસિસ કરવામાં આવ્યું છે.
- ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી ગ્રેનાઈટ–ગ્લાસનું ફિટીંગ: બાહ્ય ભાગે ગ્લાસ-ગ્રેનાઈટ વર્ક પણ ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી કરાયું છે. જેથી દિવાલ અને ફ્રેમવર્ક વચ્ચે મર્યાદિત અંતર રહેવાથી બહારની ગરમી અંદર ઓછી પ્રસરે છે.
- 400 કેવી સોલાર રૂફ, 1.8 MLD એસટીપી પ્લાન્ટ: બિલ્ડીંગની ઈમારત પર 400 કેવી સોલાર રૂફ મુકવાની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જે થકી વિજળી અને પાણીની પણ મોટાભાગની બચત થઈ શકશે.
ભારત બૂર્સ કરતાં 4 ગણી મોટી ઓફિસ
300,500,1000 અને 1500 એમ 4 અલગ-અલગ સ્કે.ફૂટનું કદ ધરાવતી ઓફિસ આ 9 ટાવરમાં તૈયાર કરવામાં આવી છે. જેના માટે કમિટી મેમ્બર્સની 128 જેટલી મિટીંગ્સ મળી છે. ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)મુંબઈની સરખામણીએ સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર 1 ઓફિસ ત્યાંની 4 ઓફિસ જેટલી મોટી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
10 Comments