- એરપોર્ટને કેન્દ્ર-રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગ સહિતની મંજૂરી મળી
- અમદાવાદથી ધોલેરા સુધી લગભગ 3800 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો સિક્સ લેન એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવામાં આવશે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોનું ટ્રાફિક સતત વધી રહ્યું છે. હાલમાં એરપોર્ટની ક્ષમતાથી વધુ પેસેન્જરોની મૂવમેન્ટ થઈ રહી છે. વધુમાં અમદાવાદ એરપોર્ટની ચારે બાજુ હવે જગ્યા ન હોવાથી વધારાના રનવે સહિત તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી.
આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ ફાળવી દેવામાં આવ્યો છે. જેના પગલે એરપોર્ટની જગ્યાએ માટી પૂરાણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે માટી પૂરાણ થયાના એક વર્ષ બાદ એરપોર્ટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી ટુ સીએમ એમ. કે. દાસે ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, એરપોર્ટના સ્થળે માટી પૂરાણ થયા બાદ માટી જામી જાય તે માટે એક વર્ષ સુધી તેને છોડી દેવામાં આવશે. જોકે આ સમય દરમિયાન માટી પણ પાણીનો છંટકાવ સહિત અન્ય કામગીરી ચાલૂ રાખવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ 2019માં જ આ એરપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી પરંતુ માટી પૂરાણની પ્રક્રિયા મોડી પડી હતી ત્યારબાદ કોરોના મહામારી શરૂ થતા હાલમાં એરપોર્ટની કામગીરી મોડી પડી છે.
અમદાવાદ-ધોેલેરા એક્સપ્રેસ વે બનશે
ધોલેરા એરપોર્ટ સહિત ધોલેરા ઔદ્યોગિત વિસ્તારોમાં આવવા જવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદથી ધોલેરા સુધી લગભગ 3800 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો સિક્સ લેન એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવામાં આવશે. આ એક્સપ્રેસ હાઈવે તૈયાર કરવા માટે એનએચએઆઈ દ્વારા જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાઈવેની વચ્ચે મેટ્રો ટ્રેન પણ દોડાવાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
9 Comments