બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : જાપાનના ફોટા જોઈને મહી-સાબરમતી તેમજ નર્મદા જેવી નદીઓ પર 68 ફૂટ ઊંચો બ્રિજ ડિઝાઇન કરાશે!
અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલ માટે 5 મોટા બ્રિજ અને અન્ય નાના ક્રોસિંગ માટેના ટેક્નિકલ ટેન્ડર ખુલ્લાં મુકાયાં છે. આ ટેન્ડરમાં ભરૂચ પાસે નર્મદા અને અમદાવાદની સાબરમતી અને મહીસાગર નદી સહિતના 5 મોટા બ્રિજ સામેલ છે. ટેન્ડર માટે ભારતની 8 કંપનીએ રસ દાખવ્યો છે. જોકે આ બ્રિજ બનાવવાનો એકપણ કંપનીને અનુભવ નથી તેમજ બ્રિજ અંગેની ડિઝાઇન પણ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન આપવાનું નથી. રસ દાખવનારી કંપનીએ પોતાની ડિઝાઇન અને કિંમત રજૂ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાના છોકરાઓ ફોટા જોઈને પ્રોજેક્ટ બનાવે તેવું જાપાનના બુલેટ ટ્રેનના બ્રિજના ફોટા જોઈને ભારતની કંપનીઓ બ્રિજ બનાવશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન સાથે સંકળાયેલા વડોદરાના અધિકારીના જણાવ્યા મુજબ જરૂર પડશે તો અમે જાપાનના ફોટા આપીશું. કંપની જાતે ડિઝાઇન કરશે તો સમય બચશે, તેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
વડોદરામાં 190 મીટર ઊંચા સિંગલ ગડર બ્રિજની ડિઝાઇન નકારાઈ હતી
વડોદરા ખાતે બુલેટ ટ્રેન નંબર 7થી 6 તરફ દિશા બદલવાની હતી. આ માટે સિંગલ ગડર બ્રિજની ડિઝાઇન જાપાન દ્વારા તૈયાર કરાઈ હતી. જે ગડર 190 મીટર ઊંચો જતો હોવાથી કામ કરવાની મુશ્કેલી સાથે 5 વર્ષ જેટલો સમય બગડવાનું સ્થાનિક કંપનીઓ દ્વારા જણાવાતાં આખરે વડોદરા ખાતે ડિઝાઇન બદલવાનો નિર્ણય લેવાયો હતો.
ટ્રાન્સપરન્સીની વાતો કરતા અધિકારીઓ સમગ્ર પ્રોજેક્ટમાં થયેલા પરિવર્તન અંગે મૌન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે સમગ્ર પ્રોજેક્ટ માટે ટ્રાન્સપરન્સી અને દરેક કામગીરી નાગરિક સન્માન ખુલ્લી મૂકવાની વાતો કરનાર અધિકારીઓ હાલ ચાલી રહેલા ફેરફાર અંગે મૌન સેવી રહ્યા છે. એક બાજુ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ઉમેરાયો છે, નવી ટેક્નોલોજીની ટ્રેનિંગ આપવાની છે અને ટેન્ડર ખુલ્લાં મુકાયાં છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે અનલોક પ્રક્રિયા બાદ સમગ્ર પ્રોજેક્ટમાં થયેલા ફેરફાર અંગે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ દિલ્હીનો દરવાજો બતાડે છે.
બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં 7 કિમીને સુરંગ બનાવાશે
સૂત્રો મુજબ પ્રોજેક્ટમાં 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 1.4 લાખ મેટ્રિક ટન સ્ટ્રકચરલ સ્ટીલ વપરાશે. પ્રોજેક્ટ પૂરો થાય બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચેનું 508 કિમીનું અંતર છે. બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં 7 કિમી લાંબી સુરંગ પણ બનાવવામાં આવશે.
2023માં પ્રોજેક્ટ પૂરો કરાશે
બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધીના 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટ વર્ષ 2023માં પૂર્ણ થશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.
સૌજન્ય દિવ્ય ભાસ્કર
6 Comments