Big StoryNEWS

રાજ્ય સરકારનો આદેશ- હાઈ રાઈઝડ્ બિલ્ડિંગો,સ્કૂલ-કોલેજ બિલ્ડિંગોને, હવે ફાયર સેફ્ટીનું દર 6 મહિને NOC કરાવવું પડશે.

fire safety

રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યૂઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.

એન્જિનિયર્સને સરકારી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસની મંજૂરી
રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે.

નવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે
નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ, આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે, સાથે જ શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એન.ઓ.સી મેળવવાનું અને એનું રિન્યુએલ સરળતાથી થઈ શકશે.

સરકાર ઓફ્ફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે
બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફ્ફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે. રાજ્યમાં આવેલાં અંદાજે પાંચ લાખથી વધુ મકાનો, વાણિજ્ય સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે એને રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે તેમજ મિલકતમાલિકો-કબજેદારો પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- દિવ્ય-ભાસ્કર  

Show More

Related Articles

Back to top button
Close