
દેશમાં પહેલીવાર 31 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનાર આ ફ્લાઈટમાં બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર હશે. જે 6 મહિના અહીંયા રોકાશે અને ભારતીય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિમીનું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે.
સી પ્લેન પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની (ગુજસેલ)ના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું કે, એરલાઈન્સે હાલ બે વિમાન લીઝ પર માગ્યા છે.
18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ વિમાન નોન શિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પેસેન્જરોનો સારો રિસ્પોન્સ મળશે તો એક વર્ષ બાદ તમામ ફ્લાઈટ શિડ્યુલ કરાશે.
સાબરમતી નદીમાં તેમજ કેવડિયા ખાતે પોન્ડ – 3માં વિમાનના લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે ત્યારે બંને જગ્યાએ વિમાન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે.
નવા વર્ષમાં રિવરફ્રન્ટથી શેત્રુંજી ડેમ સુધી સી-પ્લેન શરૂ થશે
31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સુવિધા શરૂ થયા બાદ એરલાઈન્સ દ્વારા નવા વર્ષ 2021ની શરૂઆતમાં રિવરફ્રન્ટથી શત્રુંજી ડેમ સુધી સી-પ્લેન સુવિધા શરૂ કરાશે. ડીજીસીએ ઉડાન-3 યોજના હેઠળ અમદાવાદના આ બન્ને રૂટ પર સી પ્લેન ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી. જ્યારે ઉડાન-4 યોજનામાં અમદાવાદથી ધરોઈ ડેમ સુધીના રૂટ પર સી પ્લેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે ત્યારે અમદાવાદથી ધરોઈ ડેમ સુધી સીપ્લેનનું સંચાલન 2022 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments